Yogesvardasji Swami Jivan Kivan
Yogesvardasji Swami Jivan Kivan
Couldn't load pickup availability
Weight : 177.0 g
Height : 21.5 cm
Width : 14 cm
સમગ્ર સૃષ્ટિના જીવોના શ્રેય અને પ્રેય માટે ભગવાન કે ભગવાનના એકાંતિક સદ્ગુરુ સંતો આ પૃથ્વી પર વિચરણ ક્રતા જ હોય છે. તેમનો જે જીવને ભેટો થાય તો તે જીવનનું અતિ રૂડું થાય છે. ભગવાન પણ તેવા સંતોની સેવા કરવાથી રાજી થાય છે. ભગવત્ સ્વરૂપની ઓળખ, ભગવત્ મહિમા, ભગવત્ ભક્તિ, ભગવત્ ધામ વગેરે ભગવાનના સંતથી જ મળે છે. સર્વોપરી ભગવાન શ્રીસ્વામિનારાયણ વચનામૃત ગ્ર.પ્ર.૫૪ માં કહે છે‘‘ સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્ય તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું થાય છે...જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દૃઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.’’
વળી ભગવાન શ્રીહરિએ ભક્તિમાતાને કહ્યું કે હે માતે ! ભગવાનના સાચા સંતનું દર્શન- સ્પર્શ-વંદન-પૂજન-ભોજન આદિકથી સેવન થાય તે જીવાત્માના જન્મોજન્મના પાપ બાળીને ભસ્મ કરે છે. તેમના ચરણમાં મૂર્તિમાન તીર્થો વાસ કરીને રહે છે.’’
સદ્ગુરુ સંતોના પ્રસંગથી આ જગતમાં એવું કાંઇ નથી કે જે સંત થકી ન મળે. એટલે ભગવાન શ્રીહરિ વચનામૃતમાં કહે છે કે...‘‘પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે. તેમ જ તેમને સ્પર્શે મતિ પણ ઉત્તમ થાય છે.’’
પરમાત્માના સંબંધવાળા પદાર્થો, તેમની મૂર્તિઓ, શાસ્ત્રો, સંતો ભક્તો વગેરે જીવાત્માના સદા કલ્યાણકારી છે. સાચા સંતો અને ભગવાન વચ્ચે બહુ જુદાપણું નથી . એેટલે તો સદ્ .નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમકાશમાં કહે છે કે...
સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે ;
સંત છે મારી મુરતિ રે, તેમાં ફેર નથી એક રતિ રે.
તેને સેવ્યેથી હું સેવાણો રે, એહ વાત સત્ય જન જાણો રે ;
એને અન્ન જળ અંબર આપે રે, તે તો તપશે નહિ ત્રય તાપે રે .
લાગી પાય ને જોડિયા હાથ રે, તે તો સહુ થાય છે સનાથ રે ;
જોઇ રીતને રાજી થાશે રે, વળી ગુણ તે સંતના ગાશે રે.
ભગવાનના સાચા સંતનો મહિમાથી તો શાસ્ત્રો ભરેલાં પડયાં છે. અરે ! પશ્ચિમ સંસ્કૃતિના બાઇબલમાં પણ કહેવાયું છે કે.. “He that beleveth on the son hath everlasting life; and he that beleveth not the son shall not see life, but the wrath of God abideth on him.” જે પુત્રને (ઇશુને) માને છે તેને અનંત જીવન મળશે ને નહીં માને તેને નહીં મળે અને તેના પર ભગવાનનો પ્રકોપ થશે.
ભારતીય સંસ્કૃતિમાં આવા તો અનેક સંત થયા છે. તેમાં પણ વિશેષ કરી સૌરાષ્ટ્રની ભૂમિમાં થયા છે. સૌરાષ્ટ્ર ભૂમિ એટલે પરમાત્મા વિષે ચર્ચા વિચારણા અને મહિમાના ગુણને ગાનાર એક પૃથ્વીનો અતિ પ્રિય પ્રદેશ છે.
આ પ્રદેશમાં ભગવાન શ્રીસ્વામિનારાયણ સમકાલીન અનેક સંતો ભક્તો થયા છે. ત્યાર પછી પણ આ પ્રદેશે સંતોનાં ખાલી સ્થાનો પૂરાં કર્યાં છે. અને ભવિષ્યમાં પણ પુરાતા રહેશે એ સત્ય હકકીત છે. આ બધા સંતોના ગુણ ગાવા કે સાંભળાથી આપણા જીવનને એક નવો જ મોડ મળે છે. તેવી આ સંતોની ગાથા છે. તે સંતોના જીવનચરિત્ર, ભગવાનને વિષે તેમની ભક્તિ, દેહથી વિરક્ત, મોહ-માયાથી મુક્તિ, સંગમાં આવનારને સહજાનંદીય રંગ લગાડી દે, તેવા અનેક સંતો ભક્તો ખરાપાટમાં થયા છે. તેમાં ખારાપાટમાં આવેલ કેરિયાચાડ નામના ગામમાંથી‘સદ્ગુરુ શ્રી યોગેશ્વરદાસજી સ્વામી’ થયા.
સ્વામીના જીવનના પ્રસંગો કોઇ કોઇ સ્થાનમાં ટૂંકમાં કહેવાતા, તો વળી કેટલાક પ્રસંગો કેવળ લોક જીભે જ હતા. આ બધા પ્રસંગો ભવિષ્યના મુમુક્ષુ સાંભળવાથી વંચિત ન રહે, તે માટે લેખકે એક નમ્ર પ્રયાસ કર્યો છે.
સદ્ગુરુ શ્રી યોગેશ્વરદાસજી સ્વામીનું જીવન એક વિશાળ સમુદ્ર જેવું હતું. તેમાંથી તેના યોગમાં આવતા ભકતોના પ્રસંગથી પરંપરાગત સાંભળવામાં આવતા તે બધા પ્રસંગો અને સ્વામીશ્રીના જીવનમાં રહેલા ઉત્તમ ગુણો જેવા કે દયા, કરુણા, વચનસિદ્ધિ, અખંડવૃત્તિ, અસાધારણ પ્રભુપે્રમ વગેરે ભગવત ગુણોને એક પુસ્તકના સ્વરૂપમાં આલેખવામાં આવ્યા છે.
તે બધા પ્રસંગો આપણા સૌના જીવનનો આધારસ્તંભ બને છે તેવી આશા છે. આવા ભગવદીય પુરુષોના પ્રસંગોના વાચનથી કે શ્રવણથી જીવાત્માને એક નવું જ બળ પ્રાપ્ત થતું હોય છે. માટે આ પુસ્તક વધુ ને વધુ મુમુક્ષુઓને મોક્ષમાર્ગે સહાય રૂપ થાય એ જ અભ્યર્થના....

-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support