Vidurniti Katha Vivechan
Vidurniti Katha Vivechan
Couldn't load pickup availability
Weight : 152.0 g
Height : 21.5 cm
Width : 14 cm
મહાભારતના ઉદ્યોગપર્વમાં ભગવાન શ્રીવેદવ્યાસજીએ ગૂંંથેલ વિદુરનીતિ તો નીતિશાસ્ત્રોમાં સર્વોત્તમ મનાય છે. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા શ્રીસહજાનંદ સ્વામીએ પણ શિક્ષાપત્રીમાં નિર્દેશેલ આઠ સત્શાસ્ત્રોમાં મહાભારત અંતર્ગત વિદુરનીતિને સમાવીને પોતાના આશ્રિતોને એનું શ્રવણ કરવાનો આદેશ આપીને આ ગ્રંથનું સવિશેષ મહત્ત્વ દર્શાવ્યું છે.
કૌરવ પાંડવ વચ્ચે થનાર ભયાનક યુદ્ધના નિવારણ માટે શ્રીકૃષ્ણ પ્રભુએ સંધિ અંગે કરેલ ન્યાયિક વિષ્ટિ દૂર્યોધનની અવળાઈથી તૂટી પડી ત્યારે તેઓશ્રીએ ભરસભામાં ભાખેલ ભવિષ્યવાણી સાંભળીને અંધ ધૃતરાષ્ટ્ર આકુળ- વ્યાકુળ થઈ ગયા. એની ઊંઘ હરામ થઈ ગઈ. બેચેન ધૃતરાષ્ટ્રે શાંતિ પામવા પોતાના ઓરમાન ભાઈ અને સલાહકાર મંત્રી વિદુરજીને બોલાવ્યા અને પોતાની પરિસ્થિતિની પીડા જણાવી. એ સાંભળીને ધર્માત્મા વિદુરજીએ ધૃતરાષ્ટ્રને વ્યવહારમાં નીતિમત્તાના વિવિધ સિદ્ધાંતો સમજાવીને પાંડવો સાથે સંઘર્ષ છોડી દેવા અને સુલેહ શાંતિનો રાહ અપનાવવાની સલાહ આપેલ, જે વિદુરનીતિ તરીકે પ્રસિદ્ધ છે. વ્યવહારવિદ્ વિદુરજીનાં આ નીતિવિષયક વચનો સુખશાંતિ ઈચ્છતી માનવજાત માટે જીવનમાં આજે પણ એટલાં જ સુખશાંતિદાયક અને ઉપયોગી છે.
વિદુરજીએ પ્રબોધેલ નીતિ વિષયક સલાહસૂચનોને ધૃતરાષ્ટ્રે જો અપનાવીને પાંડવો સાથે ન્યાય પૂર્વક વ્યવહાર કર્યો હોત તો મહાભારતનું ભયંકર યુદ્ધ નિવારી શકાયું હોત અને કૌરવ પાંડવ બંને પરિવારમાં સુખશાંતિ સ્થપાત પણ ધૃતરાષ્ટ્રના દુર્યોધન પ્રત્યેના પુત્રવ્યામોહને કારણે વિદુરજીનાં નીતિસભર સત્ય વચનોમાં અંધ ધૃતરાષ્ટ્રને જરાય શ્રદ્ધા બેઠી નહિ. પરિણામે યુદ્ધમાં કૌરવ સૈન્યના સેનાધિપતિ ભીષ્મ, યુદ્ધવિશારદ દ્રોણાચાર્ય, મહારથી કર્ણ, કૃપાચાર્ય આદિ યૌદ્ધાઓ સહિત અગિયાર અક્ષૌહિણી સેનાનો ઘોરસંહાર થયો. પાંડવ પક્ષે પણ પાંચ પાંડવ સુરક્ષિત રહ્યા અને ધૃતરાષ્ટ્રના સોએ સો પુત્રોનો ઘોર સંહાર થયો, પાણીપાવાય કોઈ બચ્યો નહિ. આ જોઈને અંધ ધૃતરાષ્ટ્રને પસ્તાવાનો પાર રહ્યો નહિ. એણે પોતાની આ વેદના પત્ની ગાંધારી સમક્ષ ઠાલવતી વેળાએ કબુલ કર્યું હતું કે જો વિદુરજીની નીતિસભર સલાહ માની હોત તો આજે પસ્તાવાનો વારો ન આવત.
સાધુગુણે સંપન્ન, સતત સત્શાસ્ત્રના સ્વાધ્યાયશીલ, નિખાલસ, સ્પષ્ટ અને સજાગ વક્તા સદ્. પુરાણી સ્વામી જ્ઞાનસ્વરૂપદાસજીએ પોતાની સુમધુર આગવી શૈલીમાં ધર્મશાસ્ત્ર સત્સંગિજીવન, શ્રીમદ્ ભાગવત, રામાયણ તેમજ વિદુરનીતિની કથાઓનું ઘણીવાર શ્રોતાઓને મહિમાથી રસપાન કરાવેલ છે. એટલું જ નહિ તેઓ વિદુરનીતિના આઠ અધ્યાયોનું સરસ આલેખન કરીને ‘સદ્વિદ્યા’માં એને લેખ રૂપે છાપવા ક્રમશ: આપતા રહ્યા.
સત્સંગ સમાજને ઉપયોગી થાય એ માટે એમણે લખેલ અને સદ્વિદ્યામાં છપાયેલ વિદુરનીતિ અંગેના 43 જેટલા લેખોનું સંકલન કરીને વિદુરનીતિનું આ પુસ્તક તૈયાર થાય એવા શુભ હેતુથી પૂ. ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સદ્. શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના દીક્ષા શતાબ્દી ભાવાંજલિ મહોત્સવના ઉપક્રમે સત્સંગ સાહિત્યમાં આ એક ભાવપુષ્પ ઉમેરવાનો અમારો નમ્ર પ્રયાસ છે. સત્સંગ સમાજને આ ગ્રંથમાંથી ન્યાય, નીતિ, સદાચારમૂલક ભાગવત ધર્મનાં શાશ્ર્વત મૂલ્યો અંગે જીવનવ્યવહાર ઉપયોગી એવું અનેરું પ્રેરણાપાથેય મળતું રહેશે. આવા શુભાશયને અનુલક્ષીને આ વિદુરનીતિ પુસ્તક પ્રકાશિત કરતાં અમો આનંદ અનુભવીએ છીએ.
આ પુસ્તકના સંકલન કાર્યમાં ગુરુકુલ સંસ્થાના સંનિષ્ઠ સેવાભાવી કાર્યકર શ્રી ગોરધનભાઈ સખિયા સાહેબે ભારે જહેમત ઉઠાવેલ છે. પ્રૂફ રીડીંગ સેવા પા. વશરામ ભગત તેમજ આપણા રાજકોટ ગુરુકુલ વિદ્યાલયના નિવૃત્ત શિક્ષક શ્રી રમણીકભાઈ રૂપારેલિયા સાહેબ તથા જૂનાગઢ ગુરુકુલ વિદ્યાલયના શિક્ષક શ્રી અશ્ર્વિનભાઈ સાવલિયાએ નિષ્ઠાથી કરેલ છે. પેઈજ સેટિંગ સ્વામી રસિકવલ્લભદાસજી અને પાર્ષદ જયદેવ ભગતે મહિમાથી કરેલ છે.
એમાં જે કાંઈ સુશોભન અને ડિઝાઈન કાર્ય થયેલ છે તે કલાસૂઝ ધરાવતા સ્વામી વિશ્વસ્વરૂપદાસજી સ્વામીએ વિશ્વમંગલ આર્ટ સુરત ગુરુકુલમાં ઉત્સાહથી કરેલ છે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support