Vicharonu Vrundavan
Vicharonu Vrundavan
Couldn't load pickup availability
Weight : 201.0 g
Height : 21.5 cm
Width : 14 cm
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાના પરમહંસોને સાહિત્ય, સંગીત, કાવ્ય, શિલ્પ, સ્થાપત્ય, લેખન, ચિત્ર, નૃત્ય વગેરે વિવિધ લલિત કળાઓમાં પારંગત કરીને ગુરુ રામાનંદ સ્વામીના નાનકડા ઉદ્ધવ સંપ્રદાયને આગળ ધપાવીને વિશ્ર્વના વિશાળ ફલક પર મૂકીને સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે સુપ્રસિદ્ધ કર્યો. એટલું જ નહિ એની વિશેષ પુષ્ટિ માટે સદ્. મુક્તાનંદ સ્વામી આદિક નંદ સંતોને સંસ્કૃત તેમજ ગુજરાતીમાં ગદ્ય-પદ્ય સાહિત્ય રચવાની પ્રેરણા કરી. કવિ સંતોને પણ પ્રેમલક્ષણા ભક્તિસભર કીર્તનો રચવાની ખાસ આજ્ઞા આપી. પરિણામે વચનામૃત, સત્સંગિજીવન, ભક્તચિંતામણિ વગેરે સદ્ગ્રંથો રચાયા અને હજારો કીર્તનો પણ રચાયાં. પોતે પણ આશ્રિતો માટે આચારસંહિતા સમી શિક્ષાપત્રી આલેખી. આથી સંપ્રદાયમાં સાહિત્યનો સાગર રચાયો. આજે તો એ સાહિત્ય સર્વ આશ્રિતજનોને ધર્મપાલનની દૃઢતા સાથે ભક્તિભાવથી ભીંજવી રહેલ છે.
સંપ્રદાયની પુષ્ટિ માટે ઈષ્ટદેવ શ્રીહરિ અને સાહિત્યપ્રેમી સંતોએ વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું. આ સત્સંગ સાહિત્યના સવિશેષ પ્રચાર પ્રસાર માટે સાંપ્રદાયિક સાહિત્ય પ્રચારના હિમાયતી પૂ. સદ્. શાસ્ત્રીજી મહારાજે 1953માં રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલમાં મુદ્રણાલયની શુભ શરુઆત કરી, જેને પરિણામે સત્સંગના સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષાના વિવિધ ગ્રંથો તેમજ સદ્વિદ્યા માસિકનું પ્રકાશન થવા લાગ્યું. પ્રિન્ટિંગ અને બાઈન્ડીંગમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી આજે અનેક સદ્ગ્રંથોનું સુંદર, સુઘડ ને ફોર કલરમાં નયનરમ્ય પ્રકાશન થાય છે.
પૂ. શાસ્ત્રીજી મહારાજના ઉત્તરાધિકારી પૂ. સદ્. સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી દેશ-વિદેશમાં વિસ્તરેલ 35 શાખાઓની જવાબદારી સંભાળવા સાથે વિવિધ સદ્ગ્રંથોનું વાચન કરીને સત્સંગ પોષક અને પ્રેરણાદાયી વિચારોનું તારણ કરીને જીવનસૂત્રો અને જનઉપયોગી બળપ્રેરક લેખો લખતા રહે છે. એમના લેખો ‘સદ્વિદ્યા’ માસિક અને અન્ય સામયિકોમાં પણ પ્રકાશિત થતા રહે છે.
સત્સંગ સમાજને ઉપયોગી સાહિત્ય વાંચવા મળે, સત્સંગની પુષ્ટિ થાય એવા શુભ હેતુથી એમના લેખોનું સંકલન કરીને સંત સમાગમ, સત્સંગસુધા, સંતકી સોબત, જીવપાથેય, જીવનસુમન, સાચો વારસો, જીવનજ્યોત, જીવન જીવવાની કળા, પ્રેરણાના પીયૂષ, સત્સંગ ચિંતામણિ, દૃષ્ટાંત સિદ્ધાંત આદિક તથા અમૃતનું આચમન, સત્સંગ સાગરનાં મોતી સૂત્રાવલિ વગેરે પુસ્તકો સ્વામિનારાયણ ગુરુકુલ પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત થયાં છે, તેમાં ‘વિચારોનું વૃંદાવન’ પુસ્તકનો ઉમેરો કરીએ છીએ.
પૂ. ગુરુવર્ય મહંત સ્વામીના લેખો સમાજ જીવનનું વાસ્તવિક વિવરણ, જીવનની ચડતી-પડતી, એમાં આવતાં સુખ-દુ:ખમાં સમજણ કેળવવાની રીતો સાથે સૂત્રાત્મક, સરળ અને સુગમ ભાષામાં એ રજૂ થાય છે, જે સહુને સદ્બોધ આપે છે, એટલું જ નહીં પણ સંત સમાગમનો પ્રત્યક્ષ લાભ મળ્યાની પ્રતીતિ કરાવે છે. કારણ કે, એમની ભાષાકીય રજૂઆત લોકભોગ્ય છે અને એમાં બંધબેસતાં દૃષ્ટાંતેયુકત શૈલી તે તો વર્તનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે.
પૂ. સ્વામીજીના આ પુસ્તકમાં સમાયેલા સદ્વિદ્યાના લેખોનું સંકલન કરવામાં સમર્પિત સેવક પ.ભ. શ્રી ગોરધનભાઈ સખિયા, શ્રી મનીષભાઈ ચાંગેલા તેમજ વિદ્યાર્થીઓએ પ્રશંસનીય સેવા બજાવી છે. કોમ્પ્યુટરાઈઝડ્ ટાઈપકમ્પોઝ-પેઈજ સેટીંગ કરવામાં શ્રી રાજુભાઈ મહેતા તથા પત્રકાર શ્રી મનીષભાઈ મહેતાએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. ગુજરાતી ભાષાકીય ભૂલ તેમજ પ્રૂફની ઝીણવટભરી ચકાસણી કરવામાં પાર્ષદ શ્રી વશરામભગત તથા સ્કૂલના નિવૃત્ત શિક્ષક પ.ભ. શ્રી રમણિકભાઈ રૂપારેલિયા સાહેબે ખંતપૂર્વક સેવા કરી છે. અન્ય પ્રિન્ટિંગ તથા ટાઈટલ ડિઝાઈનીંગ વગેરે કામગીરી માટે સાધુ શ્રી વિશ્વસ્વરૂપદાસજી સ્વામી, સાધુ રસિકવલ્લભદાસજી સ્વામી તથા પાર્ષદ શ્રી જયદેવ ભગતે ઉત્સાહથી સેવા કરેલ છે. આ પુસ્તકનું આર્થિક સેવા સૌજન્ય ગુરુકુલના ભૂ. વિ. શ્રી ભરતભાઈ વિનુભાઈ સાવલિયા-વડોદરા તથા શ્રી અમૃતભાઈ જયંતીભાઈ કોઠિયા- ગાંધીનગર અને શ્રી રસિકભાઈ કપુરિયા -રાજકોટ વગેરેએ સ્વીકારેલ છે. પ્રિન્ટીંગ સેવા સૌજન્ય પૂર્વી ઓફસેટવાળા શ્રી જગદીશભાઈ તથા શ્રી અશોકભાઈએ સહર્ષ કરી આપેલ છે. આ સહુ ઉપર શ્રીહરિની કૃપા વરસા ઉતરતી રહે એજ પ્રાર્થના.
પૂ.ગુરુદેવના ભાવાંજલિ મહોત્સવ પ્રસંગે તેઓશ્રીના કરકમળમાં પૂ. મહંત સ્વામીના સદ્વિદ્યાના લેખોનું ‘વિચારોનું વૃંદાવન’ પુસ્તક અર્પણ કરેલ છે. તે આબાલ વૃદ્ધ અને ખાસ યુવાનોને આજના જમાનામાં જીવન જીવવાની દીવાદાંડી સમાન ઉપયોગી થઈને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડતું રહેશે. અસ્તુ


Good
-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support