Satsangi Jivan
Satsangi Jivan
Couldn't load pickup availability
Weight : 2.932 g
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણ અને એમના પંચવર્તમાને પૂરાશૂરા ત્યાગીવૈરાગી પરમહંસોએ સમાજ સુધારણા માટે ઠેરઠેર વિચરણ કરી સદ્બોધ આપીને સદાચાર મૂલક ભાગવત્ ધર્મનું પ્રવર્તન કરી એનો વ્યાપ વધાર્યો. ઈષ્ટદેવ શ્રીહરિએ સમૈયા ઉત્સવો યોજી એમાં એક્ત્ર થતા આશ્રિતોને ઉત્તમ ઉપદેશ આપીને એનું ભારે પોષણ કર્યું. એટલું જ નહિ આચાર-વિચારની શુદ્ધિ દ્વારા સંપ્રદાયની ઊજળાશ વધારી અને ‘સત્સંગ’ એવું નામ આપીને જનસમાજમાં ઊજળા ધર્મ તરીકે એની આગવી છાપ ઉપસાવી જેથી મોક્ષભાગી મુમુક્ષુઓ એમાં જોડાવા લાગ્યા. સતત વીશેક વર્ષ સુધી ચાલેલ ઝુંબેશને પરિણામે જનસમાજના છેક નીચલા સ્તરથી માંડીને ઠેઠ ઉપરના સ્તર સુધી આચાર શુદ્ધિનો ભારે માહોલ ઊભો થયો. એને જાળવી રાખવા ઉપાસનાની સુદૃઢતા માટે જ પરમાત્મા ભગવાન શ્રીસ્વામિનારાયણે છ શિખરબદ્ધ મંદિરનાં નિર્માણ કરાવી એમાં પોતાના અવતાર સ્વરૂપોની સ્વહસ્તે પ્રતિષ્ઠા કરી.
ત્યારબાદ સંપ્રદાયના પોષણ માટે સાહિત્યના સર્જન પાછળ વિશેષ ધ્યાન આપ્યાનું જણાય છે. કારણ કે પ્રારંભમાં સંપ્રદાયના પોતાના ગ્રંથો હજુ નહોતા રચાયા એટલે શ્રી વ્યાસજી રચિત ગ્રંથોની કથા થતી હતી. શ્રીહરિએ પોતે જ સત્સંગ સભામાં પ્રશ્ર્ન પૂછયો કે સંપ્રદાયની પુષ્ટિ ઘણાક કાળ સુધી શે ઉપાયે કરીને રહે ? પછી પોતે જ એનો ઉત્તર આપતા જણાવ્યું કે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી લઈને દેહ મૂકવા પર્યંતના ચરિત્રો તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. તે શાસ્ત્ર સંસ્કૃતમાં હોય કે સરળ ભાષામાં હોય પણ તે જ ગ્રંથ સંપ્રદાયની પુષ્ટિ કરે છે. તેમાં ધર્મ પણ સહજે વણાયો હોય છે.
આ પછી સંપ્રદાય સંબંધી ગદ્ય-પદ્ય સાહિત્યને વેગ મળ્યો. સ્વયં પોતે સ્વહસ્તે આશ્રિતોની આચારસંહિતા સમી શિક્ષાપત્રી લખી. પોતે સત્સંગ સભાઓ યોજતા તેમાં સંતો અને હરિભક્તોએ પૂછેલ પ્રશ્ર્નોના પોતે આપેલ શાસ્ત્રસંમત ઉત્તરો, સ્વયં પોતે જ કરુણાથી કહેલ કૃપાવચનો તેમજ થયેલ જ્ઞાનચર્ચાને ચાર સદ્ગુરુઓ દ્વારા વચનામૃત ગ્રંથ તૈયાર કરાવ્યો. સદ્. શ્રી નિષ્કુળાનંદ મુનિ પાસે સરળ ગુજરાતી પદ્યમાં ભક્તચિંતામણિ ગ્રંથ રચાવ્યો. ત્રિકાળદર્શી ને વિદ્વતવર્ય સંસ્કૃતના જ્ઞાતા સદ્. શ્રી શતાનંદ સ્વામી દ્વારા આ સત્સંગિજીવન ધર્મશાસ્ત્ર ગ્રંથની રચના કરાવી. સમય જતાં પછી તો ગદ્યમાં તેમજ પદ્યમાં ઘણાય ગ્રંથોનું સર્જન થતું રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે તો સાહિત્યનો સાગર ઘૂઘવે છે. પ્રિન્ટીંગ ક્ષેત્રે આવેલ ક્રાંતિને કારણે આજે ટેકનોલોજીની અનેક સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી વિપુલ પ્રમાણમાં સાહિત્યનું અને સામાયિકોનું પ્રકાશન થાય છે.
આર્ષદૃષ્ટા પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે આજથી સાત દાયકા પહેલાં રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થામાં મુદ્રણાલયની શુભ શરૂઆત કરેલ. જેમાં સંપ્રદાયની પુષ્ટિ થાય એવા નાના મોટા ઘણાય સદ્ગ્રંથોનું પ્રકાશન થાય છે તેમજ ગુરુકુલ સંસ્થાનું મુખપત્ર સદ્વિદ્યા માસિક પણ 71 વર્ષથી નિયમિત રીતે પ્રસિદ્ધ થતું રહે છે.
જેની આ ત્રીજી આવૃત્તિનું પ્રકાશન અમૃત મહોત્સવ ઉપક્રમે થયેલ છે એ સત્સંગિજીવનનું સ્થાન ‘સંપ્રદાયમાં ધર્મશાસ્ત્ર’ તરીકે ભારે મહત્ત્વનું મનાયું છે. શ્રીહરિએ પોતે જ શાસ્ત્રવેત્તા શતાનંદ સ્વામી પાસે આ ગ્રંથ રચાવ્યો છે. આ ગ્રંથમાં શ્રીજી મહારાજનું સમગ્ર જીવનચરિત્ર, ઉપદેશ, વ્રતોત્સવ વિધિ, ધર્મ, ભક્તિ, જ્ઞાન વૈરાગ્યનું નિરૂપણ, સંપ્રદાયનું હાર્દ તથા સિદ્ધાંતોનું યથાસ્થિત નિરૂપણ થયેલું છે.
સત્સંગના આ વિરલ ગીર્વાણ ગ્રંથનું પ્રથમવાર ગુજરાતી ભાષાંતર કરીને વડતાલના સમર્થ સદ્. શાસ્ત્રી શ્રી હરિજીવનદાસજી સ્વામીએ સને 1930માં વડતાલ સ્વામિનારાયણ મંદિર તરફથી પ્રસિદ્ધ કરેલ.
વડતાલના વિદ્વાન શા. શ્ર્વેતવૈકુંઠદાસજી સ્વામીએ પણ જે તે વખતે આ ગ્રંથના પાંચેક પ્રકરણોનું સરળ અને સચોટ ભાષાંતર કરેલ છે.
છેલ્લે સને 2001માં રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરફથી આ ગ્રંથનું સરળ ગુજરાતી ભાષામાં પ્રકાશન થયેલ. ભૂજ શ્રીસ્વામિનારાયણ મંદિર તરફથી સને 2010માં સરસ ભાષાન્તર પ્રસિદ્ધ થયેલ છે.
આપણા સંપ્રદાયના ગીર્વાણ ગ્રંથ સત્સંગિજીવનની આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરતા અંતરમાં અનેરો આનંદ ઊભરાય છે. આ બીજી આવૃત્તિના ગુજરાતી ભાષાંતરને મઠારવાની સેવા નવસારી ગુરુકુલ શાખામાં સંતોને સંસ્કૃતનો વિદ્યાભ્યાસ કરાવતા શાસ્ત્રી શ્રી હરિમુકુંદદાસજી સ્વામીએ ભારે ખંતથી બજાવી છે. ગુજરાતી ભાષાંતરના પ્રૂફ તપાસવામાં તંત્રી સ્વામી શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી હરિમુકુંદદાસજી, પાર્ષદ વશરામ ભગત, શ્રી સુરેશભાઈ એસ. ભટ્ટ સાહેબ, શ્રી બાબુભાઈ રાણપરિયા સાહેબ, શ્રી મનિષભાઇ ચાંગેલા, શ્રી હસમુખભાઇ ઘેલાણી તથા શ્રી મનિષભાઇ મહેતા શ્રી જયંતીભાઇ વોરા વગેરેનો સહયોગ સાંપડયો છે. આ ગ્રંથમાં આવતા સંસ્કૃત શ્ર્લોકનું શુદ્ધિકરણ સંસ્કૃત વ્યાકરણના જ્ઞાતા આપણા વિદ્યાલયના નિવૃત્ત શિક્ષક શ્રી આર. એસ. રૂપારેલિયા સાહેબે કર્યું છે. પૂરતું ધ્યાન આપવા છતાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો વાચક વર્ગે એ અંગે ધ્યાન દોરવું.
કોમ્પ્યુટરમાં એન્ટ્રી શ્રી રાજુભાઈ મહેતા અને સંકલનની સેવા સદ્વિદ્યા તંત્રી સ્વામી શ્રી રસિકવલ્લભદાસજી અને ડિઝાઈન કલાસંયોજન વિશ્ર્વમંગલ આર્ટ સુરત ગુરુકુલમાં સાધુ શ્રી વિશ્ર્વસ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી ચિરાગ સુતરીયાએ ખંતથી કરેલ છે.
આ ત્રીજી આવૃત્તિના પ્રકાશનમાં સંસ્થાના 75 વર્ષ ઉપક્રમે યોજાએલ અમૃત મહોત્સવ પર્વે ભાગ-1નું સૌજન્ય સુરતવાસી ધર્મનંદન ડાયમંડ ગ્રુપે સહર્ષ સ્વીકારેલ છે. આ સેવાભાવી યજ્માનો અને સહયોગીઓ ઉપર ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ પ્રસન્નતા ઉતરે અને આ સર્વે ભાવિકોને સત્સંગ સેવાનું વિશેષ બળ મળે એવી અંતરની અભ્યર્થના.





-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support