Niskulanad Kavya
Niskulanad Kavya
Couldn't load pickup availability
Weight : 490.0 g
Height : 18.5 cm
Width : 13 cm
ભરતખંડની આ ભાગ્યવતી ભૂમિમાં ભગવાન કાં ભગવાનના સાચા સંતો સદૈવ અવતરતા રહ્યા છે. અત્યાર સુધીમાં થયેલા તે તમામ અવતારો તથા મહાપુરુષોએ જીવના કલ્યાણને માટે અનેક ઉપાયો પ્રવર્તાવ્યા છે.
તેમાં પણ આજથી ૨૦૦ વર્ષ પહેલા સર્વાવતારી શ્રીસ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પ્રથમવાર પ્રગટ થયા. તેમની સાથે અનંત મુક્તો પણ પધાર્યા. શ્રીહરિ તથા આ સંતોએ તેમના સર્વોત્કૃષ્ટ સામર્થ્ય વડે જીવના આત્યંતિક કલ્યાણનો ધૂધૂબાજ માર્ગ પ્રવર્તાવ્યો. આ બ્રહ્માંડમાંથી અક્ષરધામમાં જવાનો હજારો ટ્રેકનો હાઈવે ચાલુ કરી આપ્યો છે. તેને કારણે આજે ત્યાગી-ગૃહી, બાઈ-ભાઈ એમ અનંત આત્માઓ અક્ષરધામના અધિકારી બની રહ્યા છે.
સર્વોપરી શ્રીહરિના આ ઉદાત્ત કાર્યમાં સ.ગુ.શ્રીનિષ્કુળાનંદ સ્વામીનો પણ બહુ મોટો ફાળો છે. પૂ.સ્વામીશ્રીના જીવનકાળ દરમ્યાન તેમની સારધાર સાધુતા તથા મુક્તસ્થિતિના પ્રભાવે અનેક આત્માઓ પુરુષોત્તમને પામ્યા છે. પરંતુ તેમની સૌથી મોટી સેવા છે - તેમનું અજોડ સાહિત્ય સર્જન.
લૌકિક શિક્ષણની દૃષ્ટિએ બિલકુલ અભણ એવા મુક્તરાજ શ્રીનિષ્કુળાનંદસ્વામીએ આધ્યાત્મિક માર્ગના અનેક વિષયો ઉપર એવી સફળ કલમ ચલાવી છે કે, ગુજરાતી વિશ્વમાં તેનો જોટો જડવો મુશ્કેલ છે. પૂ.સ્વામીશ્રીએ તેમના જીવન દરમ્યાન ૨૩ જેટલા કલ્યાણકારી ગ્રંથોની રચના કરી છે. તેમાંથી એક ‘ભક્તચિંતામણિ’ સિવાયના ૨૨ ગ્રંથોનો સંગ્રહ આજે ‘નિષ્કુળાનંદકાવ્ય’ તરીકે પ્રસિદ્ધિ પામ્યો છે.
આ બાવીસેય ગ્રંથોનું સમન્વયાત્મક અન્વેક્ષણ કરીએ તો આપણને એવું ચોક્કસ જણાય કે, પૂ.સ્વામીશ્રી આત્યંતિક કલ્યાણના એક કસબૃષિકાર છે. તેઓ જીવની મુમુક્ષુતારૂપી ભૂમિમાં મોક્ષરૂપી મબલખ પાક નિપજાવી જાણે છે.
તેઓ ‘યમદંડ’ તથા ‘હૃદયપ્રકાશ’ દ્વારા મુમુક્ષુતાને બરાબર કેળવે છે. પછી તેમાં ભગવાનના નિશ્ચયરૂપી બીજ રોપે છે. ત્યાર બાદ ‘ભક્તિનિધિ’ અને ‘સ્નેહગીતા’ દ્વારા સ્નેહનું સિંચન કરતા રહે છે. ‘પુરુષોત્તમપ્રકાશ’ જેવા ગ્રંથો વડે મહિમારૂપી ખાતરથી પાકને પોષણ આપતા રહે છે. ‘વચનવિધિ’ વડે ભગવદ્ વચનોની મજબૂત વાડ ઊભી કરી આપે છે. તદ્ઉપરાંત ‘સારસિદ્ધિ’ જેવા ગ્રંથોથી તીવ્ર વૈરાગ્યરૂપી હથિયારધારી વળાવિયો પાકના રક્ષણ માટે મૂક્યો છે. વળી વારંવાર નિષ્કામતારૂપી નિંદામણ કરતા રહે છે. આ બધા કાર્યો માટે ‘ધીરજાખ્યાન’થી ધીરજ તથા ‘હરિબળગીતા’ વડે બળ પૂરું પાડતા રહે છે. આટલું કર્યા પછી પણ છેલ્લે પાકની પ્રાપ્તિમાં છેતરાઈ ન જઈએ તે માટે તેમણે ‘કલ્યાણનિર્ણય’ ગ્રંથ બનાવી છેક સુધીનું માર્ગદર્શન આપી દીધું છે.
આ નિષ્કુળાનંદકાવ્યના ગ્રંથો દ્વારા પૂ.સ્વામીશ્રીએ મોક્ષ માટેની તમામ બાબતો ઉપર પ્રકાશ પાડ્યો છે. આ નિષ્કુળાનંદકાવ્યમાં રહેલા તે-તે ગ્રંથ વિષે જે કાંઈ વિશેષ વક્તવ્ય છે તે, તે-તે ગ્રંથના પ્રારંભમાં ‘ભૂમિકા’રૂપે આપ્યું છે. જિજ્ઞાસુ વાચકોએ તેમાંથી જાણી લેવું.
પૂ.સ્વામીજીની લેખનશૈલી એટલી ચોટદાર છે કે વાચકના હૃદયમાં આરપાર ઊતરી જાય છે. તેઓ જે વાતને વર્ણવતા હોય છે તેને દૃષ્ટાંત, ઉપમા કે રૂપકાદિ અલંકારોથી એવી સજાવી દે છે કે, સાકરના શીરાની જેમ ગળે ઊતરી જાય છે.
જેમ મનુષ્ય માટે દૂધ એ પૂર્ણ પૌષ્ટિક ખોરાક છે; તેમ મુમુક્ષુઓ માટે નિષ્કુળાનંદકાવ્ય સર્વપ્રકારનું પોષણ કરનારું શાસ્ત્ર છે. તેમાં પૂ.સ્વામીજીએ ઘણી જગ્યાએ કચ્છી, કાઠિયાવાડી કે સોરઠી જેવા પ્રાદેશિક શબ્દો પણ પ્રયોજ્યા છે. તેનો અર્થ સમજવામાં સાનુકૂળતા રહે તે માટે તે તે સ્થાને ગ્રંથના અભિપ્રાયને અનુસરનારી ટિપ્પણી પણ મૂકવામાં આવી છે.

-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support