Kirtanavali - Pustak
Kirtanavali - Pustak
Couldn't load pickup availability
Weight : 370.0 g
Height : 19 cm
Width : 13 cm
પરમાત્માની પ્રાપ્તિ માટે સત્શાસ્ત્રોમાં ભક્તિને સરળ, સુગમ અને શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છેે. નવધા ભક્તિમાં, કીર્તન ભક્તિને તો કળિયુગમાં કલ્પવૃક્ષ સમાન ગણવામાં આવી છે, કારણ કે કીર્તન ભક્તિમાં કાંઈક એવું અદ્ભુત પ્રેમ રસાયણ રહેલું છે કે જેનાં માધ્યમ વડે મનને સહેલાઈથી પ્રભુમાં સંલગ્ન કરી શકાય છે.
પરબ્રહ્મ પરમાત્મા શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુને કીર્તન ભક્તિ અતિશય પ્રિય હતી. પોતે સભામાં સંતો પાસે સંકીર્તન કરાવતા. વિવિધ વાજિંત્રો લઈને ગવૈયા સંતો જ્યારે સંકીર્તન કરતા ત્યારે પ્રભુ શ્રીહરિ પ્રસન્ન થઈને પોતેય ચપટી વજાડીને ભેળા ગાવા લાગતા. એટલું જ નહિ પણ કથા વંચાતી હોય તોય પોતે કીર્તન સાંભળતા એવા તો એ સંકીર્તન પ્રેમી હતા. કવિ સંતોને નવાં નવાં કીર્તનો રચવાની પ્રેરણા આપતા. ગવૈયા સંતોનું સુમધુર ગાવણું સાંભળી સહજાનંદ શ્રીહરિ ભાવવિભોર બની ડોલી ઊઠતા અને સંતો પર પ્રસન્નતાનાં પુષ્પો વેરતા.
સંકીર્તન પોષક તેમજ પ્રેરક પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિની સમીપમાં રહી પ્રસંગે પ્રસંગે પોતાનાં અંતરમાં ઊઠેલ અલૌકિક ભાવોર્મિને કવિ નંદ સંતોએ કીર્તનમાં કંડારી લીધેલ છે. પ્રત્યક્ષ મહા મનોહર મૂર્તિને નેણાં ભરી નીરખીને તેનું હૃદયંગમ નિરુપણ અને ભાવભીના જે ઉદ્ગારો કીર્તનમાં વહાવ્યા છે, એ તો ખરેખર અદ્ભુત અને અનુપમ છે. પ્રત્યક્ષ તેમજ પરોક્ષભાવે પ્રગટ પ્રભુ સહજાનંદ સ્વામીનો અગાધ મહિમા ગાતાં, એમની મૂર્તિનું નખશિખ નિરુપણ કરતાં અને અજ્ઞાનમાંથી આત્માને ઢંઢોળતાં આ કીર્તનો ખરેખર અજોડ અને અનુપમ છે. પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણ પ્રભુની પ્રેમલક્ષણા ભક્તિ ભાવથી છલકાતાં આ કીર્તનો આજેય સત્સંગ સમાજને ભક્તિભાવથી ભીંજવી રહ્યા છે.
લોકભોગ્ય ઢાળમાં રચાયેલાં આ કીર્તનોએ જનસમાજમાં આગવી છાપ ઉપસાવીને મુમુક્ષુઓને ધર્મપ્રેમી બનાવ્યા છે. ભાવિકોને સત્સંગ ને ભક્તિનું બળ પ્રેર્યું છે. સત્સંગનાં આ મહામૂલાં કીર્તનોનો વ્યાપક પ્રચાર કરવાના ઉમદા હેતુને લક્ષમાં રાખી 'સદ્વિદ્યા સદ્ધર્મ રક્ષક' અ.નિ. પૂજ્યપાદ સદ્ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આજથી ૬૦ વર્ષ પહેલાં રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાના મુદ્રણાલયમાં કીર્તનાવલિનું પ્રકાશન શરૂ કર્યું હતું. જેની આજ સુધીમાં બાર આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ ચૂકી છે.
પ.પૂ. મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી આ તેરમી આવૃત્તિનું ગુરુકુલમાં જ કોમ્પ્યુટર ટાઇપ અને પેઇઝ સેટીંગ સાધુ રસિકવલ્લભદાસજીએ ખંતથી કર્યું છે. ફોર કલર ટાઇટલની સરસ ડિઝાઈન સાધુ નિર્ગુણજીવનદાસજીએ કરેલ છે. છાપકામ પૂર્વી ઓફસેટમાં કરવામાં આવ્યું છે. આગલી આવૃત્તિમાં મુદ્રણદોષથી તેમજ અજાણે રહી ગયેલી અશુદ્ધિઓ પ્રત્યે ખાસ લક્ષ રાખી આ આવૃત્તિમાં સુધારી લેવા પ્રયત્ન કર્યો છે. જેમાં ઉત્સાહી પાર્ષદ વશરામ ભગત તથા પ.ભ. શ્રી સુરેશભાઈ ભઢ્ઢનો સહકાર સાંપડયો છે.
કીર્તનાવલિનું ઓફસેટ પ્રિન્ટીંગ, કાગળ, બાઈન્ડીંગ વગેરે પ્રકાશન સામગ્રીનો ભાવવધારો થયો હોવા છતાં કીર્તનાવલિની કિમંત યથાવત રાખી છે જેથી કીર્તનપ્રિય ભક્તજનો તેનો વધુ લાભ લઈ શકશે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support