Kavya Ras Madhuri
Kavya Ras Madhuri
Couldn't load pickup availability
Weight : 170.0 g
Height : 22 cm
Width : 14 cm
પરમાત્માની પ્રસન્નતા પામવાના સર્વ સાધનોમાં નવધા ભક્તિને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. નવધા ભક્તિમાંય આ કળિકાળમાં તો કીર્તન ભક્તિનું જ અદકેરું મહત્ત્વ છે. પ્રભુમાં મનને તન્મય કરવામાં કીર્તન ભક્તિ ખૂબ સરળ, સુગમ ને અસરકારક માધ્યમ મનાય છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુને કીર્તન ભક્તિ બહુ પ્રિય હતી. એથી તો પોતે સભામાં બિરાજતા ત્યારે નિરંતર કીર્તન ગવરાવતા. એટલું જ નહીં પણ સંકીર્તનના સુમધુર ગાનથી ભાવવિભોર બની પ્રભુ પોતે ચપટી વગાડીને સંતો સાથે ગાવવા લાગતા. કથા વંચાતી હોય તોય પોતે કીર્તન સાંભળતા. એવા તો એ સંકીર્તન પ્રેમી હતા.
ઉધ્ધવ મતના ઉગમકાળે કીર્તનકાર કવિ સંતોની જે ઉણપ હતી એને પૂરી કરવા શ્રીહરિએ સંતોને અખૂટ પ્રેરણા ને પૂરતું પ્રોત્સાહન આપીને એક સોહામણું સંતકવિ મંડળ તેમજ સંગીતના સાજથી સુસજજ ગવૈયા મંડળ પણ તૈયાર કર્યું. આ સંતોએ ભાવસભર, અર્થગંભીર ને વિવિધ પદલાલિત્ય ને અલંકારયુકત એવું વિપુલ ને સમૃધ્ધ પદ્ય સાહિત્ય સર્જન કર્યું. શ્રીજીએ પણ કાંઈક એવી સંજીવની છાંટી કે સમગ્ર સંપ્રદાયમાં કીર્તન ભક્તિનું મોજું પ્રસરી ગયું. આ સહજાનંદી જુવાળે સંપ્રદાયના પ્રસારણમાં ખૂબ મહામૂલો ફાળો આપ્યો છે ને સાથે સાથે જનસમાજની અભિરુચિને પણ સંસ્કારનો પુટ ચડાવ્યો છે.
આપણાં કીર્તનોમાં સંપ્રદાયનો ઇતિહાસ સંગ્રહાએલો છે. શ્રીહરિના સાંનિધ્યમાં રહી પ્રસંગે પ્રસંગે ઉઠેલા હ્રદયના ભાવો, અંતરની ઊર્મિઓ, લીલાચરિત્રો વગેરે આબેહૂબ કીર્તનોમાં કંડારાયા છે. એ સિવાય શ્રીહરિની મનોહર મૂર્તિનું ભાવવાહી નિરુપણ, પ્રેમલક્ષણા ભક્તિની ભાવુકતા, વૈરાગ્યની વેધકતા, અસરકારક ઉપદેશ, વિયોગની વિરહ વ્યથા વગેરેનું અનુપમ નિરુપણ થયું છે. પ્રભાતિયાં અને ઉત્સવનાં પદોના વિવિધ રાગો ને રચના ખાસ ધ્યાન ખેંચે છે.
અ.નિ. પૂજયપાદ ગુરુવર્ય શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીને કીર્તન ભક્તિમાં અદકેરી રુચી હતી. પોતે વિવિધ રાગ ને ઢાળના માહેર હતા. ઘણાં કીર્તનો કંઠે કરેલાં ને ઠાકોરજી પાસે ભાવથી બોલતા પણ ખરા.
પૂજય શાસ્ત્રીજી મહારાજ સંતોને તેમ જ વિદ્યાર્થીઓને કીર્તનના વિવિધ ઢાળ, રાગ ને હલક શીખવતા એટલું જ નહીં એમાં રહેલા ઊંડા ભાવો પણ સરસ રીતે સમજાવતા. એમને આસને કીર્તનની કથા થતી. સવારે પ્રભાતિયાં ને પ્રકરણો બોલાતાં. પૂ.સ્વામીજી ધ્યાનથી એ શ્રવણ કરતાં. પૂ.સ્વામીજી પાસે કીર્તનો શીખવાં, સમજવાં ને ઢાળ મુજબ બોલવાં એ એક લહાવો હતો જેમાં અનેરું પ્રેરણાબળ મળતું.
આપણા સંપ્રદાયનું પદ્ય સાહિત્ય રસાળ ને સમૃદ્ધ છે. ઈષ્ટદેવ શ્રીહરિની પ્રસન્નતા માટે રચાયેલા નંદ સંતોનાં પદોમાં મધુરતા, સરળતા, નીડરતા, વીરતા, આત્મખુમારી, માર્દવતા ને મુલાયમતા વગેરે ભાવો નીતરે છે. આ ભક્તિ રસભીનાં પદો આજેય સારા સત્સંગ સમાજને ભક્તિભાવથી ભીંજવી રહ્યાં છે અને અંતરમાં અનેરો અનુરાગ જગાડી રહેલ છે.
નંદ સંતોનાં કીર્તન-કાવ્યોમાં ભક્તિભાવ ને ઊર્મિનું અગાધ ઊંડાણ છે.

-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support