Harililakalpataru Pustak Set
Harililakalpataru Pustak Set
Couldn't load pickup availability
Weight : 4.97 g
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ લલિતકળાના પોષક અને ઉત્તેજક હતા. એમણે ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા સંભાળીને સંતોમાં સંગીતકળા, વાદ્યકળા, ચિત્રકળા, લેખનકળા, સાહિત્યકળા, સ્થાપત્યકળા, શિલ્પકળા વગેરે વિવિધ લલિત કળાઓ ખીલવીને રામાનંદ સ્વામી પ્રસ્થાપિત ઉદ્ધવ મતને સ્વામિનારાયણ સંપ્રદાયના નામે વિશાળ ફલક ઉપર મૂકી દીધો.
અત્રે આપણે સંપ્રદાયમાં સાહિત્યકલાના વિકાસ અંગે વિચારીએ તો ગઢડા મધ્યના ૫૮મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સંપ્રદાયની પુષ્ટિ અંગે પ્રશ્ન કર્યો ને પોતે જ એનો સ્પષ્ટ ને સચોટ ઉત્તર આપતા કહ્યું કે સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે, સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિષે જન્મ થયો હોય... તેમણે જે જે ચરિત્રો ને જે જે આચરણ કર્યાં હોય તેમાં ધર્મ અને ઈષ્ટદેવનો મહિમા સહજે આવી જાય. ઈષ્ટદેવના પ્રાગટ્યથી અંતર્ધાન સુધીનાં ચરિત્રોને વર્ણવતા શાસ્ત્રથી જ સંપ્રદાયની પુષ્ટિ થાય છે.
આ હેતુને અનુલક્ષીને શ્રીહરિએ સદ્. શ્રી શતાનંદ સ્વામી દ્વારા સંસ્કૃતમાં શ્રીમદ્ સત્સંગિજીવન ગ્રંથની રચના કરાવી અને ગુજરાતી પદ્યમાં સદ્. નિષ્કુળાનંદ સ્વામી દ્વારા ભક્તચિંતામણિની રચના કરાવી. સ્વયં પોતે આશ્રિતો માટે આચારસંહિતા સમી શિક્ષાપત્રી લખી. ચાર સદ્ગુરુઓ પાસે જ્ઞાનસભર અધ્યાત્મના અર્ક સમાન વચનામૃતનું સંપાદન કરાવ્યું. અષ્ટ કવિ નંદસંતો પાસે પ્રસંગ પ્રસંગનાં હજારો કીર્તનો રચાવ્યાં.
શ્રીહરિના અંતર્ધાન પછી પણ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં નાનામોટા ઘણા ગ્રંથોની રચના થતી રહી છે. એ સહુને સુવિદિત છે. ખાસ કરીને 'નંદસંતોની વાતો', 'શ્રીહરિચરિત્રામૃતસાગર', 'શ્રીહરિલીલાકલ્પતરુ', 'શ્રીહરિલીલામૃત' વગેરે ગ્રંથો આપણા સંપ્રદાયને પોષણ આપતા રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગદ્યપદ્ય સાહિત્યનો સાગર ઘૂઘવે છે.
અહીં આપણે શ્રીહરિલીલાકલ્પતરુની વાત કરીએ તો આ ગ્રંથ સંસ્કૃત ગીર્વાણ ભાષામાં રચાયો છે. જૂનાગઢના મહંત સદ્. શ્રી ગુણાતિતાનંદજી સ્વામી અને આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની પ્રેરણા અને પ્રોત્સાહનથી સંસ્કૃત ભાષાના મૂર્ધન્ય વિદ્વાન કવિ શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારીજીએ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના નામે આ ગ્રંથનું આલેખન કર્યું છે. આ ગ્રંથમાં શ્રીહરિના કૃપાપાત્ર સદ્. શ્રી શુકાનંદ સ્વામીને વક્તા અને સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીના કૃપાપાત્ર મેંગણીના દરબાર શ્રી માનસિંહજી રાજાને મુખ્ય શ્રોતા તરીકે દર્શાવ્યા છે. આ ગ્રંથનું માહાત્મ્ય સદ્. શ્રી પવિત્રાનંદ સ્વામીના નામે લખાયું છે.
આ ગ્રંથ વ્યાસમુનિ રચિત શ્રીમદ્ ભાગવત કરતાં ઘણો વિશાળ છે જેમાં ૧૨ સ્કંધ અને ૩૩૦૦૦ શ્લોકો છે. ભાગવતમાં આવતા તમામ છંદોને કલાત્મક રીતે ગ્રંથકર્તા સદ્. શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારીજીએ આ ગ્રંથમાં સમાવ્યા છે.
સુરતરુ સમાન આ ગ્રંથની વિશેષતા તો એના અધ્યયનથી જ સમજાય એવી છે. આ હરિલીલાકલ્પતરુમાં બ્રહ્મચારી અચિંત્યાનંદ સ્વામીએ પોતાના અંતરમાં ઊભરાતા અદકેરા અહોભાવથી ઈષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુનું સર્વાવતારીપણું અને અમોઘ પ્રૌઢ પ્રતાપ યથાસ્થિત વર્ણવેલ છે. સાથે સાથે ધર્મકુળ, સંતમહાનુભાવો અને સત્સંગીજનોનો પણ અપાર મહિમા ગાયો છે.
આ ગ્રંથ વિવિધ અલંકાર, પદલાલિત્ય સભર વર્ણનથી ભરપૂર છે. આ ગ્રંથ ગીર્વાણ ભાષામાં ગૂંથાયો હોવાથી સંપ્રદાયમાં એનું ઝાઝું પ્રવર્તન થઈ શક્યું નથી. અમારા ગુરુ પૂ. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સમર્થ પૂજ્ય સદ્. શ્રી નારાયણદાસ સ્વામીની મરજી જાણીને મેંગણી મંદિરમાં માનસિંહજી બાપુના વંશજ દરબાર રાઘવસિંહજી બાપુ અને તેના જાડેજા પરિવારને તેમજ ઉપસ્થિત ૩૫ જેટલા સદ્ગુરુ સંતોને આ સદ્ગ્રંથની ચાર માસ સુધી ભાવપૂર્વક કથા શ્રવણ કરાવેલું. ત્યારે પૂ. સદ્. શ્રી નારાયણદાસ સ્વામીએ રાજી થઈ શાસ્ત્રીજી મહારાજને અંતરના રૂડા આશીર્વાદ આપેલા.
વડતાલના શાસ્ત્રી સદ્. શ્રી શ્વેતવૈકુંઠદાસજી સ્વામીએ ભારે પરિશ્રમ કરીને આ ગહન ગ્રંથનું સને ૧૯૬૨માં ગુજરાતીમાં ભાષાન્તર કરીને છપાવેલ. એ પછી આ ગ્રંથ સહુને સુલભ થયો. સંપ્રદાયનો પ્રસાર-પ્રચાર વધતા તે ગ્રંથ પણ ઘણા સમયથી અપ્રાપ્ય બનેલ. ગરવી ગુણાતીત સંત પરંપરાના સંવાહક અમારા ગુરુના ગુરુ પૂ. સદ્. પુરાણી સ્વામી શ્રી ગોપીનાથદાસજીએ રાજકોટ દાણાપીઠમાં આવેલા જુના સ્વા.મંદિરમાં સં. ૧૯૭૩ના ધનુર્માસમાં આ ગ્રંથની કથા કરેલ. પૂ. સદ્. શાસ્ત્રીજી મહારાજે પણ આ ગ્રંથનું ત્રણેક વખત કથાશ્રવણ કરાવીને મોટા સંતોનો રાજીપો મેળવેલો. આમ પરંપરા પ્રિય એવા આ ગ્રંથનું પ્રકાશન કરવાની સેવાનો અમોને લાભ મળ્યો તેને અમારું મહદ્ ભાગ્ય સમજીએ છીએ. આ પ્રકાશન પાછળ ઘણા સંતો-ભક્તોની ઘણા સમયની સેવા સાધના સમાયેલી છે.









-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support